કાજલ ઔજા વૈધ
કોઈ કહે કે શ્વાસ છે, કોઈ સુગંધનું આપે નામ,
તારી પાછળ વહેતુ મારા સપનાઓનું આખું ગામ.
સપનાઓનાં ગામને કાંઠે સાત રંગની નદી વહે છે,
તારા મારા હોવાની એક અધૂરી વાત કહે છે;
સાત રંગને સાથે લઈને સ્પર્શે તારું નામ,
તારી પાછળ વહેતુ મારા સપનાઓનું આખું ગામ.
એક સાંજની ડેલી ખખડે, સાત સૂરની બારી ઉઘડે,
બારીમાંથી ભાગે છટકી, એક સૂંવાળી રાત;
રાતને હૈયે ધબકે છે કોઈ ભીની ભીની વાત,
વાત વાતમાં મહેંકી ઉઠતું એક જ તારું નામ,
તારી પાછળ વહેતું મારા સપનાઓનું આખું ગામ.
કોઈ અટુલા વડને છાંયે બબ્બે નમણી આંખ ઊભી છે,
તારી સાથે ગાળેલી એક આખેઆખી રાત ઊભી છે,
રાત પડે ને શમણા ડોલે, સ્મરણોની પોટલીઓ ખોલે,
ખુલી ગયેલી આંખોમાં પણ ઝળકે તારું નામ,
તારી પાછળ વહેતું મારા સપનાઓનું આખું ગામ.
- કાજલ ઓઝા વૈદ્ય
0 comments:
Post a Comment