Thursday, 26 March 2015

ખોટી નકલ – રમણલાલ ના. શાહ એક ફકીર એક વાર એક જંગલમાં થઈને પસાર થતો હતો. એણે જંગલમાં એક જગાએ એક શિયાળને સૂતેલું જોયું. શિયાળના આગળના બંને પગ અકસ્માતથી ભાગી ગયેલા હતા, અને એ ચાલી શકતું ન હતું. ફકીરને નવાઈ લાગી. ભરજંગલમાં, હાલવા-ચાલવાને અશક્ત એવા આ શિયાળને રોજ કોણ ખવડાવતું હશે ? એણે બની શકે તો આ બાબત પાકી તપાસ કરવા ઠરાવ કર્યો, અને નજીકના ઝાડ ઉપર આરામથી બેઠો. કેટલોક વખત જવા બાદ એક સિંહ ત્યાં આવ્યો. ક્યાંકથી મારી આણેલું એક ઘેટું એના મોંમાં હતું. એણે એ ભક્ષને ખવાયો એટલો ખાધો. બાકીનો શિકાર એણે પેલા શિયાળ આગળ નાખ્યો, ને પોતાના રસ્તે ચાલતો થયો. શિયાળે આરામથી પોતાની ભૂખ મટે ત્યાં લગી પેલો શિકાર ખાધો. ફકીરે વિચાર કર્યો : ‘આજ તો આ રીતે સિંહના શિકારમાંથી શિયાળને હિસ્સો મળ્યો. આવતીકાલે શું બને છે, એ પણ હું જોઈશ.’ ફકીર બીજે દિવસે એ જગાએ આવ્યો. આજે પણ સિંહ ક્યાંકથી શિકાર લઈ આવ્યો. ધરાઈને પોતે ખાધું. પછી બાકીના ભાગ શિયાળ પાસે ગઈ કાલની જેમ નાખી, એ ચાલતો થયો. આજે પણ શિયાળે પેટ ભરીને ભોજન કર્યું. દરવેશ બોલ્યો : ‘એમ વાત છે ! પ્રાણીઓ મહેનત કરે કે ન કરે, પણ પાક પરવરદિગાર સૌને માટે ભોજનની જોગવાઈ કરે જ છે. આવી બાબત છે, તો પછી મારે પણ શું કામ રોજની રોજ રોટી માટે આંટા-ફેરા કરી, ભીખ માગી, ટાંટિયા-તોડ કરવી ? હું પણ કોઈક જગાએ બેસી જઈશ. મને પણ સર્વ શક્તિમાન સરજનહાર ક્યાંકથી પેટપૂર ખોરાક માટે જરૂર જોગવાઈ કરશે. આવડો મોટો હાથી પોતાના ગુજરાન માટે ક્યાં કમાવા જાય છે ? એ પોતાનો ખોરાક મેળવવા પોતાના બળનો ઉપયોગ કરતો નથી. ખુદાએ એના માટે ઘાસ અને ઝાડનાં કૂણાં પાંદડાં તૈયાર જ રાખ્યાં છે.’ ફકીર તો આવો વિચાર કરી બીજે દહાડે નજીકના ગામ બહાર એક નિર્જન ગુફા હતી, તેમાં ગયો. કામળો પાથરી સૂઈ ગયો. ક્યાંકથી પણ ભોજનની જોગવાઈ થશે, એમ એને લાગ્યું. સવારના બપોર થયા. નમતા પહોરની વેળા પણ વીતી ગઈ. સાંજ પડી. રાતનાં અંધારાં પણ ઊતર્યાં. ધીમેધીમે મધરાત વીતી ગઈ, અને બીજા દિવસની સવાર પણ પડી. પણ ફકીરની પાસે ક્યાંયથી એક દાણો અનાજ પણ આવ્યું નહિ. કોઈ દોસ્ત યા સખી દિલનો આદમી એને ગમે તે રીતે કટકો રોટી આપી જશે, એ ફકીરની ઈચ્છા જરા સરખી પણ ફળી નહિ. ભૂખના દુઃખથી એના પેટમાં ગડગડાટ થવા લાગ્યો. એની આંખે અંધારાં આવવા લાગ્યાં. એ કમતાકાત બની ગયો. હવે મારું શું થશે, એની વિમાસણમાં ફકીર પડ્યો હતો, ત્યાં આકાશમાંથી એના કાને કોઈક ફિરસ્તાનો ગેબી અવાજ આવ્યો : ‘મૂર્ખ ફકીર ! તારી મૂર્ખતા ખંખેરી નાખ. મગજમાં ભરાયેલા ખોટા ખ્યાલ કાઢી નાખ. અપંગ શિયાળનો દાખલો લઈશ નહિ. શક્તિશાળી અને ઉદાર દિલના સિંહનો દાખલો લે. સિંહનું વધ્યુંસધ્યું ખાઈ પેટગુજારો કરતા શિયાળ મુજબ તું વર્તીશ નહિ. પોતાની તાકાતથી પોતાનો ભક્ષ પેદા કરી, ખાતાં વધે તે બીજાને આપી દેવાની જોગવાઈ કરનાર સિંહની માફક તું કામ કર. તું તારી રોટી તારાં કાંડાં-બાવડાંની તાકાતથી પેદા કર. તારા ખાતાં વધે, તેનું કોઈ લાચાર મોહતાજને દાન કરી, બીજી દુનિયાનું ભાથું બાંધતો જા. માંગણ મટી દાતા બનતાં શીખી જા. જેનામાં સિંહની જેમ રોટી રળવાની તાકાત છે, તે આવી રીતે હાથ-પગ જોડી બેસી રહે, તો તે નાચીજ કૂતરા કરતાં પણ કંગાલ છે.’ મહાકવિ શેખ સાદી કહે છે કે, તું જુવાન અને તાકાતવાળો હોય ત્યાં લગી અશક્ત અને અપંગની સહાયરૂપ બન. બીજાની ઉપર તારા ગુજરાનનો આધાર રાખીશ નહિ. જે પોતાનામાં તાકાત હોય ત્યાં લગી ખુદાનાં પેદા કરેલાં ઈન્સાનો સાથે ભલાઈનું કામ કરે છે, તે આ દુનિયા અને બીજી દુનિયા, બંનેમાં એનો બદલો મેળવે છે.

0 comments:

Post a Comment